Tuesday, 25 October 2022

પગ ઉપર કુહાડો


        આ બ્લોગ છેલ્લે સુધી ખાસ વાંચજો અને તમારા મંતવ્યો નીચે આપેલા comment box માં શેર કરજો..

        વિશ્વના દરેક દેશો પોતાના દેશનો વિકાસ થાય એ માટે પોત પોતાની રીતે વિદેશ નીતિઓ ઘડતાં હોય છે, જેથી કરીને વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં પોતાના દેશનો અને નાગરિકોનો સર્વાંગી વિકાસ થાય, પોતાનું ચલણ અન્ય દેશોની સરખામણીમાં ઊંચું આવે, પોતાના દેશના લોકોનું જીવન ધોરણ સુધરે, રોજગાર મળે, ગરીબી દૂર થાય, પોતાના નાગરિકોને રોજગારી માટે અન્ય દેશમાં નહીં જવું પડે વગેરે મુદ્દાઓને વિદેશ નીતિમાં આવરી લેવામાં આવતા હોય છે.

આ પણ વાંચવા જેવું :👇

(હીરા ઉદ્યોગ પર સંકટ આ વખતે કારણ બન્યું ચીન) 
   
   
      હાલના તબક્કે આફ્રિકન સરકારે પણ રફ હીરાની નિકાસ માટે જે અંકુશ મૂક્યો છે, જેમાં અમુક સાઇઝથી વધુ સાઇઝના હીરા અથવા રફ હીરાના અમુક જથ્થાથી વધુ હીરા કોઈ વિદેશી કંપની (ઇંડિયન કંપની) ને આયાત કરવા હોય તો બોત્સવાના, આફ્રિકામાં જે તે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ અથવા મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવું જ જોઈએ એવા નિયમો લાગુ કર્યા છે, એ આજ વિચારધારાનું પ્રમાણ છે, એટલેકે આફ્રિકન સરકાર હવે જાગૃત થઈ છે,  રફ હીરા પોતાના જ દેશમાં વેચાય અને પોતાના દેશના નાગરિકોને પોતાના દેશમાં જ સારી એવી રોજગારી મળે એ માટે આફ્રિકન સરકારે રફ હીરાની નિકાસ પર આંશિક પ્રતિબંધ મૂકી દીધો છે, 
            
               વિશ્વના 47% રફ હીરા આફ્રિકન ખાણમાંથી મેળવવામાં આવે છે. 

            બોત્સવાના રફ હીરાની માઈનિંગ માટેનું વિશ્વનું એક મોટું સેંટર હોવાને કારણે જ સુરતની ઘણી ખરી નામચીન કંપનીઓ જેવી કે KGK, LAXMI DIAMOND, BLUE STAR, FINE STAR વગેરે એવી ઘણી ઇંડિયન કંપનીઓ એ રફ હીરા મળી રહે અને પોતાનો વેપાર ટકી શકે એ માટે આફ્રિકામાં પણ પોતાની કંપનીની મેન્યુફેક્ચરિંગ બ્રાંચ ખોલીને કામ કરવાનું શરૂ કર્યું છે

          અહીંયા સમજવાની વાત એ છે કે હાલના તબક્કે તો આફ્રિકન નાગરિકો હીરાના એસોટીૅગ, પ્લાનિંગ, કટિંગ, પોલીશીંગમાં એટલા નિપુણ નથી જેટલા સુરત, ભારતના રત્ન કલાકારો છે , એટલા માટે જ અત્યારે તો ઇંડિયન રત્ન કલાકારો , એસોટૅરો, સાઈનરો, મેનેજરો વગેરે સ્ટાફ આફ્રિકા બોલાવીને કામ કરાવડાવે છે અને હીરા તૈયાર કરાવડાવે છે, આપણાં સુરત,ભારતના હીરા ઉદ્યોગનો સ્ટાફ પણ અમુક કરતા વધારે પગારની લાલચમાં આફ્રિકા જઈને અત્યારે કામ કરી રહ્યા છે, ઇંડિયન કંપનીઓ પણ હીરા તૈયાર કરવાની લાગત ઓછી આવતી હોવાને કારણે આફ્રિકા જઈને પોતાનો વેપાર કરી રહી છે એમને પણ આફ્રિકન સરકાર તરફથી અમુક ટેક્સ બેનિફિટ આપવામાં આવે છે,

         હાલના તબક્કે તો આ બધું જ સારુ ચાલી રહ્યું છે એમ લાગે છે, પણ આ બધાની સાથે સાથે ત્યાંના લોકલ નાગરિકો હીરાની રત્નકલા કારીગીરી શીખી રહ્યા છે જે હવે પછીના સમય માં નિપુણ પણ થઈ જશે (ઘણા ખરા આપણાં સુરત ઈન્ડિયાના રત્ન કલાકારોને ખાસ તો આફ્રિકાના નાગરિકોને હીરાની કારીગીરી  શીખવવા માટે મોકલવામાં આવી રહ્યા છે)

        આ બધું થઈ ગયા પછી જ્યારે આફ્રિકન કારીગરો રત્ન કલામાં નિપુણ થઈ જશે અથવા આફ્રિકન સરકાર રફ હીરાના નિકાસ પર જેવો આંશિક પ્રતિબંધ મૂકી દીધો છે એવો જ બીજો પ્રતિબંધ એટલેકે અન્ય દેશના(ભારતના) હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને પોતાના દેશમાં (આફ્રિકામાં) રોજગારી માટે પ્રતિબંધ મૂકી દે (વિઝા નિયમો કડક બનાવે) અને આપના દેશમાંથી હીરા ઉદ્યોગમાં રોજગાર માટે આફ્રિકા ગયેલા આપણાં દેશના નાગરિકોને પરત મોકલી દે અથવા ઇંડિયન કંપનીઓ જે આફ્રિકામાં ઉભી થઈ છે એના પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવે ત્યારે શું થશે...? એ આપને હજુ સુધી વિચારી શકીએ એમ નથી.

આ પણ વાંચવા જેવું :👇

(ડાયમંડ મેથેમેટીક્સ) 


        આફ્રિકામાં હાલ ગરીબી બેરોજગારી એની ચરમ સીમાએ છે જેને કારણે વારંવાર લૂટફાટ અને હત્યાના કિસ્સાઓ બનતા રહે છે સુરક્ષાના અભાવને કારણે સાંજે  ૬:૦૦ વાગ્યા પછી બહાર નીકળવું એ જીવનું જોખમ છે, એ આપણે સૌ જાણીએ છીએ. અમુક જ રૂપિયાની લાલચમાં પણ હત્યાના બનાવો બને છે. સુરતમાંથી આફ્રિકન દેશોમાં જતા આપણાં રત્ન કલાકાર ભાઈઓને પણ ઘણી વખત આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ટૂંકમાં પોતાના ફેમિલીથી દૂર જઈને અમુક વધારાના રૂપિયાની લાલચમાં પોતાના જીવના જોખમે કામ કરવું અને આપના સુરતના હીરા ઉદ્યોગના ભવિષ્યને પણ જોખમમાં મૂકવું એ પગ ઉપર કુહાડો મારવા જેવું કામ કરી રહ્યા છીએ. 

ટૂંકમાં રત્નકલા કરતા રત્નનું મહત્વ વધુ મજબૂત બની રહ્યુ છે

         દુનિયાના 10 માંથી 9 હીરા ભારતમાં બને છે એમાંથી પણ મોટા ભાગના હીરા સુરતમાં બને છે એવી આપણે વાત કરીએ છીએ, પણ એ 9 હીરા આપણને અન્ય દેશમાંથી આયાત કરીને મંગાવવા પડે છે, હીરા આવે છે તો બને છે, એ હીરા ભવિષ્યમાં જો આવતા જ બંધ થઈ જાય તો દુનિયાભરની તાકાત લગાવીએ કે  ગમે એટલી નિપુણતા હશે કે કારીગીરી હશે કોઈ કામ નહીં લાગે. આપને સુરતને ડાયમંડ સીટી કહીએ છીએ પણ મારા અંગત મતે સુરત એક રત્નકલા સીટી ઓળખાવું જોઈએ કેમકે આપણે જે ડાયમંડની બડાશ મારીએ છીએ એ ખરેખર સુરતમાં ઉત્પન્ન થતો જ નથી, સુરતમાં ઉત્પન્ન થાય છે એ રત્નકલા કારીગીરી છે.

           આફ્રિકન નાગરિકો જ્યારે સુરતના રત્ન કલાકારો જેટલા નિપુણ થઈ જશે ત્યારે આપણાં દેશમાં રફ હીરા આવવાનું પણ બંધ થઈ શકે છે, અગાઉ રોજગારી અર્થે આફ્રિકા ગયેલા રત્ન કલાકારોને એક યા  બીજા કારણોસર પોતાના દેશ (ભારત) રવાના કરી પણ શકે છે, આફ્રિકન સરકારના ભવિષ્યમાં વિઝા પર નિયંત્રણો લાગવાને કારણે આપણાં દેશના રત્ન કલાકારો આફ્રિકા રોજગારી માટે જઈ પણ નહીં શકશે. આપણી ડાયમંડ સીટીની છાપ ધીમે ધીમે વખત જતાં ભૂસાઈ શકે છે. દેશમાંથી હીરા ઉદ્યોગ નામ શેષ થવાની કગાર પર આવી શકે છે, દેશના હીરા ઉદ્યોગના રત્ન કલાકાર ભાઈઓને મજબૂરીમાં અન્ય ઉદ્યોગો તરફ વળવું પડશે.
               માટે જ મારા અંગત માન્યતા પ્રમાણે હવે પછી કોઈ રત્ન કલાકાર ભાઈ આફ્રિકા કે અન્ય દેશના સરકારી પ્રતિબંધોની સામે ઝૂકીને થોડા ઘણા વધારાના રૂપિયાની લાલચમાં પોતાની રત્ન કલા અન્ય દેશમાં વેચીને નહીં આવે અને હીરા ઉદ્યોગની આવનારી પેઢીનું ભવિષ્ય પણ જોખમાય નહીં એની દરકાર કરે એ જરૂરી છે.

          તો જ આપણે આપણાં દેશના હીરા ઉદ્યોગ સાથે ન્યાય કરેલો ગણાશે. પોતાના અંગત સ્વાર્થ માટે સમગ્ર હીરા ઉદ્યોગને વેઠવું પડે એ આપણે આપની રોજગારી સાથે ગદ્દારી  કરી ગણાશે...
            
     લખવા જેવું બીજું હજુ ઘણું છે પણ થોડામાં ઘણું સમજીને મારી આ વાતને વિરામ આપું છું, જેમને લાગુ પડતું હોય એમણે ખોટું લગાડશો નહીં 🙏

અને આ વિષય પર તમારી શું માન્યતા છે એ પણ જણાવશો. 🙏

                 : Diamond Bridge Group :


2 comments: